જાણો જીરું ના પાક વિશેની સંપુર્ણ માહિતી : એગ્રોભાઈ ડિજિટલ ખેતીવાડી કેન્દ્ર

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો

જીરૂની ખેતી કરવાનો ઉત્સાહ દર વર્ષે ખેડૂતોનો વધતો જ જાય છે. જીરૂની ખેતી વધુ કાળજી માંગી લેતો પાક હોવાથી ખેડૂતોએ જીરૂ પાકતા સુધી સજાગ રહેવું પડતું હોય છે.

જીરૂની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને લીધે જીરૂનું ઉત્પાદન પણ વધવા લાગ્યું છે. પરિણામે ખેડૂતની આવક વધી ગઈ છે તેથી જીરૂની ખેતી કરવાનો ખેડૂતોનો ઉત્સાહ વધી જવા પામેલ છે.

જીરૂના પાકમાં બરાબર કાળજી લેવામાં આવે તો આવક આપતો જાય તેવો પાક છે જો હવામાન અનુકૂળ ન આવે તો આવક કરતાં ખોટ અથવા ખેતી ખર્ચ પણ મળતો નથી તે જે ખેડૂતો જીરાની ખેતી કરવા માંગતા હોય તો તેની ખેતીનો બરાબર અભ્યાસ કર્યા પછી બરાબર સમજ કેળવીને જે ખેતી કરવી જોઈએ.

જીરૂ એ એક અગત્યનો રોકડીયો પાક છે જે મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં વાવવામાં આવે છે પરંતુ હવે જીરાનું વાવેતર આખા ગુજરાતમાં દક્ષિણ સિવાયના દરેક જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં થાય છે જીરાનું ઉત્પાદન તથા તેના સારા ભાવ મળવાથી બધા જ વિસ્તારોમાં તેની ખેતીની શરૂઆત થયેલ છે.

જમીન : જીરાના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ મધ્યમ કાળી જમીન અનુકૂળ આવે છે. ચોમાસુ પાક લીધા પછી ખેડ કરી જો ઢેફાં હોય તો તે ભાંગી નાંખી જમીન સમતળ બનાવવી. ઓરવણ કર્યા પછી વરાપ થતાં વાવણી માટે જમીન તૈયાર કરવી બે ખેડ આડીઅવળી કરી જમીન તૈયાર કરવી.

બીજ પસંદગી : જીરા માટે સુધારેલી જાતો જેવી કે, ગુજરાત જીરૂ-૨, ગુજરાત જીરૂ-૩, ગુજરાત જીરૂ-૪ અને એમ.સી. ૪૩ જાતોમાંથી પસંદ કરવી. જીરૂનું વાવેતર કરવા માટે હેકટરે ૧૨થી ૧૫ કિલો બીજની જરૂરિયાત રહેશે. જીરાના બીજને વાવતા પહેલાં પારાયુક્ત દવાનો પટ આપવો આ માટે ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ સેરાસાન (વેટ)નો પટ આપવો અથવા ૧ કિલો બીજ દીઠ થાયરમ ૨.૫ ગ્રામ પ્રમાણે પટ આપવો.

વાવણી સમય : જીરાની વાવણી નવેમ્બર માસના બીજા પખવાડિયામાં કરવી. વાવણી મોટાભાગે પુંખીને વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે પરંતુ જ્યાં નિંદામણનો પ્રશ્ન વધુ હોય તો ત્યાં બે હાર વચ્ચે ૨૫ સેમી.નું અંતર રાખી વાવણી કરવી.

ખાતર : જમીન તૈયાર કરતી વખતે પાયાના ખાતર તરીકે હેકટરે ૨૫ ટન છાણીયું ખાતર આપવું. હેકટરે ૧૫ કિલો નાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ તત્વ જમીન તૈયાર કરતી વખતે આપવા આ માટે ૩૩ કિલો ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડી.એ.પી.) અને ૨૦ કિલો યુરિયા ખાતર આપવું. હેકટરે ૧૫ કિલો નાઈટ્રોજન વાવણી બાદ ૩૦ દિવસે આપવો આ માટે ૩૩ કિલો યુરિયા ખાતર આપવું.

પિયત : વાવણી પછી પ્રથમ પિયત ૮થી ૧૦ દિવસે આપવું આ પિયત ઘણું અગત્યનું છે વાવણી પછીનું બીજુ પિયત વાવણી પછી ૩૦ દિવસે આપવું છેલ્લું પિયત વાવણી પછી ૪૫ દિવસે આપવું પાણી આપતી વખતે આકાશ સ્વચ્છ અને પુરતો સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે. જે ખેડૂતો પાસે ફુવારાની સગવડ હોય તો ફુવારા પદ્ધતિથી પિયત આપવું હિતાવહ છે.

નિંદામણ : જો પુરતા પ્રમાણમાં મજુરો સસ્તા મળતા હોય તો વાવણી પછી ૧૫થી ૩૦ દિવસે એમ બે વખત હાથથી નિંદામણ કરવું. જો નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો હોય તો વાવણી પછી તેજ દિવસે અથવા બીજા દિવસે હેકટરે ૧ કિલો ફલ્યુકલોરાલીન (સક્રિય તત્વ) બાસાલીન ૪૫ ડબલ્યું પી ૨.૨૫૦ કિલો અથવા ૧ કિલો પેન્ડીમિથીલીન (સક્રિય તત્વ) (સ્ટોમ્પ ૩૦ ઈસી ૩.૩૦૦ કિલો) ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી તેનો ઉંધા પગલે જમીન ઉપર છંટકાવ કરવો.

પાક સંરક્ષણ : મોલોમરથી, થ્રીપ્સ, તડતડીયા જેવી જીવાતો છોડના કોઈપણ ભાગમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. ૧૦ લિટર પાણીમાં ૩ મિલિ. ફોસ્ફામીડોન અથવા ૧૦ મિલિ. ડાયમીથીઓટ અથવા ૧૦ મિલિ. મિથાઈલ-ઓ-ડીમેટોન અથવા ૧૦ મિલિ. મોનોક્રોટોફોસ મિશ્ર કરી ૧૫-૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now