Weather News : ગુજરાતમાં આજથી ધોધમાર વરસાદની આગાહી, 8 જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં હવે ચોમાસાએ ધીમે ધીમે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે. જૂન મહિનામાં અપેક્ષા મુજબ વરસાદ નોંધાયો નહોતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધુ સક્રિય બની છે.

જાણો આજે ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદ વધુ અસરકારક રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

2 જુલાઈથી 6 જુલાઈ અહીં વરસાદની આગાહી

આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ તરફ વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે.